ટ્રાવેલ - બીજલ
પોતાના કુદરતી સૌંદર્યને કારણે માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ બની ચૂકેલા પિંજોરમાં વૃક્ષો, કલા-સ્થાપત્ય, બાગ-બગીચા, પશુ-પક્ષી ને જળપ્રપાત- સરોવર બધું જ છે... બસ ફર્યે જ રાખો ને માણ્યે જ રાખો...
શિવાલિક પહાડીઓના આસમાનને સ્પર્શતાં શિખરો, વૃક્ષોની લાંબી-લાંબી હારમાળા, સ્થાપત્ય કલાના બેજોડ ભવન, ફૂલોની સુગંધથી મહેકતાં બાગ-બગીચા, સાફસુથરી સડકો, રોનકભર્યા બજાર અને સરોવરમાં નૌકાવિહારની વિશેષતાવાળું પિંજોર ભારતના ખૂબસૂરત નગરોમાં ગણાય છે. ચંદીગઢથી લગભગ ૨૨ કિ.મી.ના અંતરે ચંડીગઢ-કાલકા માર્ગ પર આવેલું પિંજોર એક રમણીય સ્થળ છે. અહીંયાનું પિંજોર ગાર્ડન પોતાના પ્રાકૃતિક સૌંદર્યને કારણે માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, બલકે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. આ સદાબહાર ગાર્ડનનું નિર્માણ ૧૮મી શતાબ્દીમાં મોગલ બાદશાહ ઔરંગઝેબના સાવકા ભાઈ ફિદાઈ શાને કરાવ્યું હતું. એક રોચક પૌરાણિક કથા અનુસાર પિંજોરનું નામ મહાભારતના પાંડવોની સાથે પણ જોડાયેલું છે, તેઓ વનવાસ દરમિયાન આ રમણીય સ્થળેથી પસાર થયા હતા. આજે અહીંયાં મહાભારત સમય વખતના કેટલાંય મંદિર તથા સ્નાનઘાટ મોજૂદ છે. ગાર્ડન સાત અવરોહી ટેરેસરૂપે આવેલું છે. પ્રત્યેક ટેરેસનો મધ્ય માર્ગ ધમનીય જલમાર્ગ દ્વારા અલંકૃત છે. ફુવારાઓ, જળપ્રપાત, જલકુંડ વગેરે આ જળમાર્ગની સુંદરતાને એક અવિસ્મરણીય રૂપ પ્રદાન કરે છે. બીજો ટેરેસ પહેલાંના સમયમાં પર્દા ગાર્ડન હતો. અહીંયાં એક દીવાલ છે, જેમાં ૧૫-૧૫ નાના-નાના થાંભલાઓની હારમાળા છે, જેમાં પહેલાં માટીના દીવા રાખીને આ દીવાલને પ્રકાશિત કરવામાં આવતી હતી.
જળ અને દીપકોની મંદ-મંદ રોશની સહેલાણીઓનું મન મોહી લે છે. બીજા ટેરેસમાં એક ભવ્ય રંગમહેલ છે, જેની નીચેથી વહેતો પ્રપાત પથ્થરથી બનેલા એક મોટા તળાવમાં પડે છે. રંગમહેલથી સીડીઓ દ્વારા આપણે નીચેની તરફ આવેલા ત્રીજા ટેરેસમાં પહોંચીએ છીએ. ચોથા ટેરેસમાં એક મોટું તળાવ છે. આ તળાવના મધ્યમાં એક જળમહેલ છે. અહીંયાં ફિદાઈ ખાનની બેગમો સ્નાન કરવા માટે આવતી હતી. વર્તમાનમાં આ જળમહેલ એક રેસ્ટોરન્ટ રૂપે ઉપયોગમાં લેવાય છે. અહીંયાંથી આખા ગાર્ડનનું વિહંગમ્ દૃશ્ય દેખાય છે. રાત્રે ફુવારાની કિનારો તથા લોનમાં લાગેલા રંગબેરંગી બલ્બ ગાર્ડનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પિંજોર ગાર્ડન પર્યટકોનું વિશેષ આકર્ષણ છે.
* પક્ષીઘર : ગાર્ડન સાથે જોડાયેલું છે પક્ષીઘર. અહીંયાં તરેહ તરેહના જીવ-જંતુ, પશુ-પક્ષી ટહૂકતાં અને કલરવ કરતાં જોવા મળે છે. અહીંયાં બાળકો અને મોટેરાંઓ માટે હાથી, ઊંટ અને રીંછની સવારીનો પણ પ્રબંધ છે.
આસપાસના દર્શનીય સ્થળો
* રોક ગાર્ડન : ચંદીગઢના રોક ગાર્ડનની પોતાની ખાસ વિશેષતા છે. બંગડીઓથી બનાવેલી મોરની આકૃતિઓ, ટયૂબલાઈટોથી બનાવેલી દીવાલો, ચિનાઈ માટીના રંગબેરંગી ટુકડાઓથી બનેલાં ઢીંગલાઓ અને ચારેતરફ છવાયેલી લીલોતરી અને ઝરણાં આ વિચિત્ર ગાર્ડનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
* ગુલાબ ઉદ્યાન : ચંદીગઢની શાન એટલે ગુલાબ ઉદ્યાન. અહીંયાં ગુલાબની લગભગ ૧૫૦૦ જાતો છે. ૩૦ એકર જમીન પર ફેલાયેલું આ એશિયાનું સૌથી મોટું ગુલાબ ઉદ્યાન મનાય છે. વસંત ઋતુમાં આ ઉદ્યાનની છટા ખૂબ જ હરિયાળી અને નયનરમ્ય હોય છે.
* ડોલ્સ મ્યુઝિયમ : ચંદીગઢ શહેરથી ૫ કિ.મી.ના અંતરે આ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ આવેલું છે. અહીંયાં લગભગ ૫૦ દેશોની રંગબેરંગી ઢીંગલીઓ અને કઠપૂતળીઓ રાખવામાં આવેલી છે.
* સુખના સરોવર : રોક ગાર્ડનની પાસે જ એક કૃત્રિમ સરોવર છે, જેને સુખના સરોવર કહે છે. ૩ ચોરસ કિ.મી.માં ફેલાયેલા આ સરોવરમાં તમે નૌકાવિહાર કરી શકો છો. એ ઉપરાંત અહીંયાં પ્રતિ વર્ષ નાવ દોડ સ્પર્ધા યોજાય છે, જેમાં દેશ-વિદેશોમાંથી હજારો સહેલાણીઓ ભાગ લે છે.
સરોવરની ચારેય તરફ વૃક્ષો પર બેઠેલા પક્ષીઓનો કલવર સહેલાણીઓને આપોઆપ જ આર્કિષત કરી મૂકે છે. પિંજોર, કસૌલી અને સિમલા વગેરે પર્યટન સ્થળોને જોવા-માણવા માટેનો યોગ્ય સમય માર્ચથી મે તથા સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો વધુ અનુકૂળ રહે છે.
કેવી રીતે જશો?
પિંજોર જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. આ એરપોર્ટ શહેરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંયાંથી સિટી બસસેવા, ટેક્સી અને ઓટો રિક્ષા મળી રહે છે. એ ઉપરાંત શતાબ્દી એક્સપ્રેસ અને કાલકા મેલ દ્વારા પિંજોર પહોંચી શકાય છે. આ ટ્રેનો દરરોજ દોડે છે. હિમાચલ પરિવહન નિગમ, હરિયાણા રોડવેઝ તથા ડીટીસીની બસો દરરોજ સિમલા જાય છે.