Sunday, December 16, 2012

ભારતની શાન જીમ કોર્બેટ નેશનલ પાર્ક


Nov 30, 2012


ચાલો ફરવા
જંગલની મજા માણવી હોય, જાતજાતનાં પંખીઓનો સાચો કલરવ સાંભળવો હોય અને મુક્તમને વિહરતા ઘાતક વાઘ જોવા હોય તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એકદમ રાઇટ ચોઇસ છે. ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ અને પૌરી જિલ્લાની હદમાં આવેલો આ દેશનો સૌથી મોટો અને જૂનો નેશનલ પાર્ક છે. શિકારીમાંથી જંગલ સંરક્ષક અને નેચર એક્સપર્ટ બનેલા બ્રિટિશ કર્નલ જીમ કોર્બેટના નામ પરથી આ પાર્કનું નામ 'જીમ કોર્બેેટ નેશનલ પાર્ક' રાખવામાં આવેલું છે. ૫૨૦ સ્ક્વેર કિલોમિટરના વિસ્તારમાં નદી, તળાવ, જંગલ, પહાડ અને ઘાસનું મેદાન ફેલાયેલું છે. હિમાલયની ઘાટીના આ નેશનલ પાર્કને કોર્બેટ ટાઇગર રિઝર્વ અને સોનાનંદી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યૂઅરી સાથે જોડીએ તો તેનો ફેલાવો ૧૨૮૮ સ્ક્વેર કિલોમિટર થાય છે.
કોર્બેટ નેશનલ પાર્કમાં નેચરની મજા માણવા દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ આવે છે. દેશમાં શરૂ થયેલા સેવ ટાઇગર ઝુંબેશને લીધે તાજેતરનાં વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. ૭૦ ટકા વિસ્તારમાં જંગલ પથરાયેલું છે અને બાકીનો ભાગ નદી, પહાડીઓ તેમજ ઘાસનું મેદાન રોકે છે. અહીં ૪૮૮ પ્રકારના વિવિધ પ્લાન્ટ્સ જોવા મળે છે. એશિયાટિક એલિફ્ન્ટ અને ટાઇગર અહીંની ખાસિયત છે. ૫૦ પ્રકારનાં સસ્તનધારી પ્રાણીઓ, ૫૮૦ પ્રકારનાં પંખીઓની જાતો, ૧૧૦ પ્રકારનાં વૃક્ષો આ પાર્કની શોભા છે. પ્રશાસન તરફથી જંગલ સફારીની સગવડો પણ ઊભી કરવામાં આવી છે. ૨૦૧૧માં પોતાની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી કરનાર આ પાર્ક ઇકો ટૂરિઝમ માટે શ્રેષ્ઠ સ્થળ છે.

No comments:

Post a Comment